મકાન, દાગીના પડાવી લેવા ધમકી: લોન પર એક્ટિવા લેવડાવી પડાવી લીધું
વાંકાનેર : તાલુકાના રાતાવીરડા ગામના લેબર કોન્ટ્રકટર યુવાનને મજૂરોને ચૂકવવા નાણાંની જરૂરત પડતા વ્યાજખોરોએ 30 ટકાથી લઈ 120 ટકા સુધીનું માસિક વ્યાજ વસૂલી બે વર્ષથી પઠાણી વ્યાજની વસુલાત ચાલુ રાખી મૂળ રકમથી અનેક ગણા નાણાં પરત માંગી ઘર, દાગીના વેચીને પૈસા આપવા ધમકી આપી એક વ્યાજખોરે લોન પર એક્ટિવા લેવડાવી બાદમાં પડાવી લેતા વ્યાજખોરી મામલે ફરિયાદ નોંધાઈ છે.









વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર વ્યાજખોરી અને ધાક-ધમકી આપવા અંગે રાતાવીરડા ગામના લેબર કોન્ટ્રાક્ટર પ્રવિણભાઈ હરખાભાઈ ઉકેડીયાએ આરોપી અજય રમેશભાઈ અબાસણીયા, બીજલ ઉર્ફે ભોજાભાઈ બેચરભાઈ ગીંગોરા અને આરોપી હિતેશ મગનભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે કે, ફરિયાદીને મજૂરોની ચુકવણી અને ભાઈની સારવાર માટે આરોપીઓ પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધા હતા. જેમાં આરોપી અજયભાઈ અબાસણીયાએ ૩ લાખ રૂપિયા સામે 30 થી ૧૨0 ટકા જેટલું વ્યાજ વસૂલી, કુલ ૩૦ લાખ રૂપિયા મેળવ્યા બાદ પણ વધુ નાણાંની પઠાણી ઉઘરાણી કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે બીજા આરોપી બીજલભાઈ ગીંગોરાએ ૧.૫૦ લાખ સામે પ લાખ મેળવ્યા છતાં ડરાવી-ધમકાવી રૂ. ૯૮,૬૮૧ની કિંમતનું એક્ટિવા મોટર સાયકલ લોન પર લેવડાવી મોટરસાયકલ પડાવી લીધું હતું. જ્યારે ત્રીજા આરોપી હિતેશભાઈ પટેલે બેંકમાંથી દાગીના છોડાવવા માટે વગર વ્યાજે નાણાં આપવાનું કહી બાદમાં ઊંચું વ્યાજ ચડાવી, ધમકી આપીને સાડા ત્રણ તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા.સમગ્ર મામલે પોલીસે આરોપી અજય અબાસણીયા, બીજલ ગીંગોરા અને હિતેશ પટેલ વિરૂદ્ધ BNS તથા ગુજરાત નાણા ધીરનારાઓનો અધિનીયમ હેઠળ ગુનો નોંધી અટકાયતમાં લેવા તજવીજ હાથ ધરી છે….

