સિંધાવદર આસોઇ નદીના સાંકડા ડાયવર્જનથી હાલાકી
દોઢ વર્ષ પહેલા તૂટેલ પુલને બનતા હજી કેટલા વર્ષ લાગશે?
શા બાવાની દરગાહ પાસે આવેલા પુલનો એક ગાળો બેસવાની શરૂઆત થઇ ગઈ છે
વાંકાનેર: વાહનોની અવરજવરથી ભરચક્ક રહેતા વાંકાનેરથી રાજકોટ રોડ પર સિંધાવદર પાસેનો આસોઇ નદીનો 10 મીટર લાંબો પુલ 1990 માં 36 વર્ષ પહેલા બનાવવામાં આવેલ, 2024 પહેલા આ પુલ પરનો એક ભાગ થોડો ડેમેજ થયેલ હોવાથી રિપેર કરવામાં આવ્યો હતો, ફરી તા: 6/10/2024 ના પુલમાં ગાબડું પડેલ, ભારે વાહનો પુલ પર ચલાવવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો, આ પુલનું રિપેરિંગ કરીને તા: 11/3/2025 ના વાહન વ્યવહાર શરૂ કરાતા પુલની નીચે લોખંડના ગડરો પણ વધારે ડેમેજ હતા, ભોપાળું છતું થતા અંતે કામચલાઉ ડાયવર્ઝનમાં રોડ પર ડામર પાથરી પેચવર્ક કરેલ ત્યાં સુધી લોકોએ હાલાકી ભોગવવી પડી હતી, અગાઉ છેલ્લા ચાર-પાંચ વર્ષમાં આ પુલમાં ચારથી વધારે વખત સમારકામ કરવામાં આવ્યું છે, ત્યાર પછી આખા પુલનો સર્વે કરતા તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને હાલ કામગીરી ચાલી રહી છે….



આ પુલમાં ગાબડું પડ્યું ત્યાં સુધી તંત્ર સૂતું હતું, રીપેર કરાયું, ડાયવર્ઝન રસ્તા પર ડામર કામ કરવામાં આવેલ નહીં, લોકો હાલાકી ભોગવી રહ્યા, પુલની નીચે લોખંડના ગડરોનું ડેમેજ તંત્રને દેખાયું નહીં અને અવરજવર ચાલુ કરાઈ, સ્થાનિક પત્રકારો દ્વારા તંત્રનું ધ્યાન દોરાતા ફરી સર્વે કરવાનું નક્કી કરવામાં આવ્યું અને ઓગણીશ મહિના પછી હાલ પુલને તોડવાની કામગીરી હાથ ધરાઈ છે, તંત્ર કેટલું બધું અસવેન્દનશીલ?




લોકોને મોટી હાડમારી એ છે કે જે ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે તે રોડ એટલો બધો સાંકડો છે કે સામસામા આવતા બે ભારે વાહનો ન તો પસાર થઇ શકે છે કે ન તો પાછા ફરી શકે છે, સિંધાવદર ખેડૂતોને સીમમાં જવા આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, વાંકાનેર- રાજકોટની તમામ એસટી અહીંથી જ પસાર થાય છે. ચોમાસામાં આ ડાયવર્ઝન રોડ પર પણ પાણી ફરી વળશે, અગત્યના આ રોડ પરના હાલ તોડતા પુલને ફરી બનતા કેટલા મહિના લાગશે? પુલ તૂટ્યા પછી જો ત્રણ વર્ષમાં બને (?) ત્યાં સુધી લોકોને તો હાડમારી જ ભોગવવી પડશે, ગતિશીલ ગુજરાતના દાવા વચ્ચે એક પુલને રીપેરીંગમાં ત્રણ-ત્રણ વર્ષ વીતી જાય છે. પંચાસર પાસેનો પુલ બનતા પોણા બે વર્ષ લાગેલા, ભારે વાહનોની શહેરમાં અવરજવરે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, હજી દશકો નથી થયો ત્યાં શા બાવાની દરગાહ પાસે આવેલા પુલનો એક ગાળો બેસવાની શરૂઆત થઇ ગઈ છે, મોરબી ઝૂલતા પુલ જેવી કોઈ મોટી દુર્ઘટના બનશે, પછી જ તંત્ર જાગશે?
પ્રજાની પીડાની કોને પડી છે, જયારે જીતની ગેરેન્ટી હોય ત્યારે આવી જ દશા બને છે…

