રૂપાવટી ગામની ઘટના
4 સભ્યોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા
વાંકાનેર: હાલમાં આકરો ઉનાળો તપી રહ્યો છે ત્યારે લોકોને હીટ વ્યક્તિ બચીને રહેવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે તેવામાં બપોરે વાડીએ કામ કરી શાક રોટલા ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ થતા ઘરના 4 સભ્યોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વાંકાનેર તાલુકાના હિરાસર એરપોર્ટ પાસેના રૂપાવટી ગામની આ ઘટના છે.



મળેલ જાણકારી મુજબ, શીવાભાઈ ભલાભાઇ ચૌહાણ (ઉંમર વર્ષ 55), લાભુબેન શીવાભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 50), જેસાભાઇ શામજીભાઈ ગાંગાણી (ઉંમર વર્ષ 50) સંગીતાબેન સાગરભાઇ ગાંગાણી (ઉંમર વર્ષ 30)ને રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે.
શીવાભાઈના પુત્ર ઉમેશના જણાવ્યા અનુસાર તેઓ મૂળ ચોટીલાના ચિરોડા ગામના વતની છે. રૂપાવટી ખાતે વાડી વાવવા માટે રાખી છે. સંગીતાબેન તેમના બહેન છે અને જેસાભાઇ સંગીતાબેનના સસરા છે.
પરિવારના બધા સભ્યોએ બપોરે રૂપાવટી ગામ પાસે એરપોર્ટ નજીક આવેલી વાડીમાં કામ કર્યું હતું અને બાદમાં બપોરનું જમણ જમ્યું હતું. થોડીવાર આરામ કર્યા બાદ ઉપરોક્ત ચારેય લોકોની તબિયત બગડી હતી. તેમને પ્રથમ કુવાડવાની હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. હાલ ચારેય સારવાર હેઠળ છે….

