ખેડૂતો સાવધાન !
એકલા ખેડૂતને ટારગેટ કરે છે
સણોસરાના ૩ ખેડૂતોને પણ છેતરી લીધાનું ખુલ્યું
ક્રાઇમ બ્રાંચે ઇકો કાર લઇ ઠગાઇ કરવા નીકળતાં કોટડા નાયાણીના શખ્સ સહિત પાંચને પકડયા હતા
‘અમે નવો શો રૂમ ચાલુ કર્યો છે પ્રમોશન માટે રૂા. 30નું ઇનામી કૂપન બહાર પાડયું છે’
વાંકાનેર: ગ્રામ્ય વિસ્તારના તાલુકાના અલગ અલગ ગામોમાં ઇકો કાર મારફત ખેડુતો પાસે જઇ તેમની પાસે કૂપન સ્ક્રેચ કરાવડાવી ઇનામ લાગ્યાનું કહી છેતરપીડી કરનાર ટોળકી ઝડપાઇ ગયા બાદ આ ટોળકીએ વધુ ત્રણ ખેડુતોને છેતરી લીધાની વિગતો ખુલી છે. રાજકોટના સણોસરાના ત્રણ ખેડુત સાથે રૂા. ૬૮ હજારની છેતરપીંડી થયાનું ખુલતાં કુવાડવા પોલીસમાં અલગથી ગુનો દાખલ થયો છે.

આ બનાવમાં પોલીસે સણોસરા ગામમાં મહાદેવના મંદિર પાસે રહેતાં વલ્લભભાઇ નાનજીભાઇ અજાણી (ઉ.વ.૫૩) નામના ખેડુતની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. ગત તા. ૮/૬/ર૦ર૬ ના સવારે દસેક વાગ્યાની આસપાસ વલ્લભભાઇ પોતાની ફોર વ્હીલર ગાડી લઈને વાડીએ જઈ રહ્યા હતા. આ દરમિયાન સણોસરાથી જીયાણા ગામ જવાના રસ્તા પર એક સફેદ કલરની ઇકો કારમાં બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા. આ શખ્સોએ પહેલા સણોસરા ગામનું અંતર પૂછયું અને બાદમાં જણાવ્યું હતું કે-અમે નવો શો-રૂમ ખોલ્યો છે જેના પ્રમોશન માટે આ રૂા.૩૦ વાળી કૂપન છે. તે વલ્લભભાઈ કશું સમજે તે પહેલાં જ ગઠિયાઓએ જાતે જ કૂપન સ્ક્રેચ કરી નાખી હતી અને કહ્યું હતું કે-તમને બે સગડી, બે પંખા અને એક કૂલરનું ઇનામ લાગ્યું છે. વલ્લભભાઇએ આ ઇનામી વસ્તુ લેવાની ના પાડતાં ઇકો કારમાં બેઠેલા શખ્સોએ પોતાના મોબાઈલમાંથી કોઈ અન્ય સાગરીત સાથે વલ્લભભાઈની વાત કરાવી હતી. ફોન પરના શખ્સે પણ મોટી લાલચો આપી લલચાવ્યા હતા. ગઠિયાઓની માયાજાળમાં ફસાઈને વલ્લભભાઈએ કૂપનના ચાર્જ પેટે ૪,૦૦૦ રોકડા આપ્યા હતા, જ્યારે બાકીના ૧૮,૫૦૦ ગામના જ અમિતભાઈ મકનભાઈ લીંબાસીયા પાસેથી અપાવ્યા હતા. વલ્લભભાઈની જેમ જ આ ઠગ ટોળકીએ સણોસરા ગામના અન્ય બે ખેડૂતોને પણ આ જ મોડસ ઓપરેન્ડીથી છેતર્યા હતાં. 


જેમાં કેશુભાઇ રવજીભાઇ અજાણી પાસેથી ઇનામી વસ્તુની લાલચ આપી રૂા. ૨૩૫૦૦ મેળવી કોઇ વસ્તુ આપી નહોતી અને હરેશભાઇ જયંતિભાઇ લીંબાસીયા પાસેથી પણ ૨૨૦૦૦ પડાવ્યા હતાં. હરેશભાઇએ પોતાની પાસેના ત્રણ હજાર અને બાકીના ૧૯ હજાર ભત્રીજા રાજેશભાઇ પાસેથી ઓનલાઇન ટ્રાન્સફર કરાવી આપ્યા હતાં. આમ કુલ ત્રણ ખેડુતોને આ ગઠીયાઓએ છેતરી ૬૮ હજાર પડાવ્યા હતાં. ક્રાઇમ બ્રાંચે આરોપીઓને પકડી આજીડેમ પોલીસને સોંપ્યા હતાં. હવે કુવાડવા રોડ પોલીસ આ ગુનામાં કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાંચે કૂપન સ્ક્રેચ કરાવી ઠગાઇ કરી ટોળકીના પાંચ શખ્સો રમેશ વાહણભાઇ ચાવડીયા ઉ.વ.૨૩ રહે.જયજવાન જયકિશાન સોસાયટી, મોરબી રોડ જુના જકાતનાકા પાસ), રૂપા ટીડાભાઇ ચાવડીયા (ઉ.વ.૨૩, રહે.જયજવાન જયકિશાન સોસાયટી), હિતેષ ઉર્ફે રૂપેશ વાહણભાઇ ચાવડીયા ઉ.વ.૧૯, રહે.જયજવાન જયકિશાન સોસાયટી), હિન્દુભાઇ જાગાભાઇ વરૂ ઉ.વ.૨૧, રહે.કોટડા નાયાણી ગામ, ધાર ઉપર, તા.વાંકાનેર) અને ગોવિંદ ટીડાભાઇ ચાવડીયા (ઉ.વ.૨૫, રહે.જયજવાન જયકિશાન સોસાયટી)ને પકડી લઇ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ટોળકીએ વધુ ત્રણ ખેડુતોને છેતર્યાનું ખુલ્યુ હતું…

