એમની દુઆથી ઔરંગઝેબને જીત મળેલી
હઝરત સૈયદ પીર મશાઈખ ચિશ્તી (રહમતુલ્લાહે અલયહે) ઘણાં જ મહાન ઔલિયાએ કામેલીન પૈકી અને સાહેબે નિસ્બત બુઝૂર્ગ છે. આપની કશફો કરામત ઘણી જ મશહૂર હતી. હઝરત સૈયદ પીર મશાયખ ચિશ્તી વિલાયતના ઉચ્ચ સ્થાને હતા.
આપની વિલાદત ૧૪ રબીઉલ આખર હિ.સ. ૧૦૬૦ (ઈ.સ.૧૬૫૧)માં પાટણ અને કલોલ વચ્ચે આવેલા જંતરાલ ગામમાં થઈ હતી. આ વાતનો ઉલ્લેખ આપ ખૂદ પોતાની લખેલ કિતાબ નૂરનામામાં કરે છે.
આપના વાલિદે માજિદ હઝરત ફાઝિલશાહ (રહમતુલ્લાહે અલયહે) છે. આપનો મઝારશરીફ કડી પાસે આવેલા મોમિનપુરા ગામમાં આવેલો છે.
આપના દાદા સાહેબ સૈયદ મશાયખ (રહમતુલ્લાહે અલયહે) લાહોર (પાકિસ્તાન)ના હતા. આપ ત્યાંથી કડી (ગુજરાત) આવ્યા અને ત્યાં જ વસવાટ અપનાવ્યો. આપનું ખાનદાન હઝરત સૈયદ ઈસ્માઈલ બિન જાફર સાદિક (રદિયલ્લાહો આલા અન્હો)નો સીધો વારસો ધરાવે છે.
તાલીમ અને તરબીયત :- આપ પોતાના વાલિદે માજિદ સૈયદ દાદા ફાઝિલશાહ (રહમતુલ્લાહે અલયહે)ની સાથે કડી પાસે આવેલા મોમિનપુરા ગામમાં રહેતા હતા. આપની ઉંમર જ્યારે નવ વરસની થઈ તો આપના વાલિદ સાહેબનો વિસાલ થઈ ગયો, ત્યારે આપને ખ્વાબમાં હુઝૂર નબીએ પાક (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) તશરીફ લાવ્યા અને દિલાસો આપ્યો. આપ જ્યારે વીસ વરસની ઉંમરે પહોંચ્યા ત્યારે ઈલ્મ હાસિલ કરવાની શરૂઆત કરી અને થોડાક જ અરસામાં હિન્દી, ગુર્જરી, ફારસી, તેમજ અરબી ભાષાઓ પર કાબુ મેળવી લીધો.
બયઅત અને ખિલાફત:- આપ હઝરત શૈખ તાજુદ્દીન મહમૂદ કુત્બઝમાં ચિશ્તી (રહમતુલ્લાહે અલયહે)કે જેઓ એ અરસામાં થોડા દિવસો માટે ચિશ્તીયાહ સિલસિલાના પ્રચાર અર્થે ગુજરાત આવ્યા હતા, તેઓના મુરીદ બની ગયા અને ત્યારબાદ તેઓની પાસે બાતિની તર્બીય્યત હાંસિલ કરીને તેઓથી ચિશ્તીય્યાહ સિલસિલાની ખિલાફત હાંસિલ કરી.
ત્યારબાદ આપ મોમિનપુરા છોડીને અહમદઆબાદ તશરીફ લાવ્યા અને ચારતોડા સારંગપુરમાં વસ્યા અને અહીં આપે મુરીદોની ઈસ્લાહનું કાર્ય શરૂ કર્યું. આપના વાલિદે માજિદના મુરીદો અને અકીદતમંદોની સંખ્યા ઘણી જ હતી. જયારે સુલતાન આલમગીર ઔરંગઝેબ (રહમતુલ્લાહે અલયહે) હિ.સ.૧૦૮૫ (ઈ.સ.૧૬૮૫)માં દખ્ખણ (દક્ષિણ ભારત)માં હતા ત્યારે હઝરત સૈયદ પીર મશાયખ (રહમતુલ્લાહે અલયહે) પણ તેમની સાથે જ હતા. ત્યારે તેમણે આપને અરજ કરી કે, મારી જીત થાય તેવી દુઆ કરો, તો આપે કહ્યું કે, ઝિલકઅદના મહિનામાં એક દિવસ અચાનક વરસાદ પડશે અને શત્રુઓને તેઓનું લશ્કર પાછું ખેંચવું પડશે. આપની આ આગાહી શબ્દશઃ સાચી પડી. ત્યારબાદ બીજા એક પ્રસંગે જ્યારે સુલતાન આલમગીર (હિ.સ. ૧૦૯૮, ઈ. સ. ૧૬૮૮)માં જ્યારે ગોવલકોંડા પર હુમલો કર્યો ત્યારે બાદશાહે આપનાથી મશવરો માંગ્યો હતો અને આપે સૂચવેલ સલાહો પ્રમાણે ચાલવાથી તેમની જીત થઈ હતી.
આપનો વિસાલ ૨પમી મોહર્રમના દિવસે થયો. વિસાલની સન મળી શકતી નથી. આપનો મઝાર અહમદઆબાદમાં સારંગપુર ઉતરીને થોડા આગળ આવેલા ચાર રસ્તાથી ડાબા હાથે વળીને સીધે જવાથી ચારતોડા કબ્રસ્તાન આવે છે તેમાં છે. મોમિન બિરાદરીના લોકો ઘણું માને છે અને આપના મુરીદ પણ છે.
‘તયબહ’ તા: માર્ચ-2014 
