ઘર પાસેથી ગાડી સ્પીડમાં લઈ નીકળતા થયેલી બબાલ
વાંકાનેર: તાલુકાના ખખાણા ગામે રહેતાં મહિલા પર રાતે તેના જ ગામના કાકા-ભત્રીજાએ મળી ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. હુમલાખોરના ભાણેજને કાર ધીમે હંકારવા બાબતે અગાઉ ઠપકો આપ્યો હોઇ તેનો ખાર રાખી ઘરે આવી આ હુમલો કરાયો હતો.

પ્રાથમિક મળેલ માહિતી મુજબ ખખાણા ગામે રહેતાં હેતલબેન અનિલભાઇ થોરીયા-કોળી (ઉ.વ.૨૫) રાતે સાડા નવેક વાગ્યે ઘરે હતાં ત્યારે ગામનો સુરેશ કોળી અને તેનો ભત્રીજો સંજય ગોધાણી ધોકા સાથે ધસી આવ્યા હતાં અને હુમલો કરી હેતલબેનના માથામાં ઘા ફટકારી દીધા હતાં. દેકારો થતાં બીજા લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં.
હેતલબેનને માથામાં ઇજા પહોંચી હોઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જો કે સારવાર માટે રાતે જ રજા લીધી હતી. હેતલબેનના પતિ અનિલભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. સગાએ જણાવ્યું હતું કે ચારેક દિવસ પહેલા હુમલાખોર સુરેશના ભાણેજે શેરીમાં ફુલ સ્પીડથી કાર હંકારી હોઇ તેને ઠપકો આપ્યો હતો અને સુરેશની ઘરે જઇ આ બાબતે તેને સમજાવવા માટે કહ્યું હતું. આનો ખાર રાખી રાતે અચાનક જ સુરેશ, સંજય સહિતનાએ આવી હુમલો કર્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…

