ગ્રાહક આયોગનો ચુકાદો
પીડિતને રૂ. 10 લાખ, તેના પર 6 ટકા વ્યાજ તેમજ રૂ. 5 હજાર ફરિયાદ ખર્ચ ચૂકવવાનો હુકમ
રાજકોટ: રખડતી ગાય સાથે થયેલા અકસ્માતમાં એફઆઈઆર નોંધાયેલી ન હોય અને પોલીસ કલોઝર રિપોર્ટ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં માત્ર તે કારણસર વીમા કંપની વીમાની રકમ ચૂકવવાનો ઈન્કાર કરી શકે નહીં, એવો મહત્વપૂર્ણ ચુકાદો રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગે આપ્યો છે.

રાજકોટના ગોદાવરીબેન ફુલતરીયાના પતિ ધરમશીભાઈ ફુલતરીયાનું અમરેલી નજીક ગાય સાથે અકસ્માત થતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ત્યારબાદ એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ પાસે રૂ. 10 લાખના વીમા ક્લેમ માટે અરજી કરવામાં આવી હતી. પરંતુ અકસ્માતમાં એફઆઈઆર નોંધાઈ ન હોવાથી પોલીસ કલોઝર રિપોર્ટ રજૂ ન કરી શકાતા વીમા કંપનીએ ક્લેમ નામંજૂર કર્યો હતો.
આ અંગે એડવોકેટ નિલેશ પટેલ મારફતે રાજકોટ ગ્રાહક આયોગમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આયોગે વીમા કંપનીની સેવામાં ખામી હોવાનું માની ગોદાવરીબેન ફુલતરીયાને રૂ. 10 લાખ, તેના પર 6 ટકા વ્યાજ તેમજ રૂ. 5 હજાર ફરિયાદ ખર્ચ બે માસમાં ચૂકવવાનો હુકમ કર્યો છે. આ ફરીયાદમાં ગોદાવરીબેન ફુલતરીયા તરફે રાજકોટના એડવોકેટ નિલેશ જી. પટેલ, નિકુંજ પી. સાકરીયા, રીધ્ધી પીલોજપરા તથા સહાયક મહેક ચીકાણી, એશા બુસા રોકાયેલ હતા…
