કાસીયાગાળા ગામના ખેડૂતની ફરિયાદ
દલડી પાસે આવેલ પેટ્રોલ પંપ પાસેની ઘટના
વાંકાનેર: તાલુકાના કાસીયાગાળા ગામની જમીનમાં વાવેલ બાજરીના ડાંડર વાઢવા ગયેલ આરોપીને અગાઉ થયેલ બોલાચાલીના કારણે વાડી માલિકે ડાંડર વાઢવાની ના પાડતા આરોપીને સારૂ ન લાગતા ધમકી આપેલ, અને બાદમાં વાડી માલિક કામસર દલડી ગયેલ હોય જ્યાં દલડી પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે બે જણા લાકડી માથાના ભાગે મારી ગાળો આપી એકબીજાની મદદગારી કરવાનો ગુન્હો નોંધાયો છે….



જાણવા મળ્યા મુજબ કાસીયાગાળા ગામે રહેતા ગોરધનભાઈ માવજીભાઈ સાપરા (ઉ.વ.૫૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે હું અમારી ખેતીની જમીન ખાતે ગયેલ ત્યારે ત્યાં અમારે અગાઉ જેની સાથે બોલાચાલી થયેલ તે ગોપાલભાઈ પેથાભાઇ જોગરાણા તથા તેમના બહેન અમારી વાડીમાં ઉનાળુ બાજરીનું ડાંડર વાઢતા જોયેલ, અમે તેઓને કહેલ કે ‘આપણે બનતું ન હોય જેથી તમારે અમારી વાડીમાં ડાંડર વાઢવા નહી આવવાનુ’ જે ગોપાલભાઈને સારૂ નહી લાગતા તેઓએ મને કહેલ કે ‘સાંજ નહી પડવા દઉં’ આમ કહી જતા રહેલ હતા, હું મોટરસાયકલ લઇને કામસર દલડી ગામ ગયેલ હતો અને ત્યાંથી સવારના અગીયારેક વાગ્યે પરત આવતો હતો તે દરમ્યાન આ ગોપાલભાઇ તેમની સાથે ભુરાભાઈ ભવાનભાઇ જોગરાણાને લઇને આવેલ અને આ બન્ને માણસો લાકડી લઇને આડા ઉભા રહી ગયેલ જેથી મે મારુ મોટરસાયકલ ઉભુ રાખી દિધેલ અને આ બન્ને માણસો મને લાકડી વડે માર મારવા લાગેલ હતા અને હું પડી જતા એક લાકડીનો ઘા મને માથાના ભાગે મારેલ હતો, જે બાદ માણસો ભેગા થવા લાગતા આ બન્ને માણસો ભાગી ગયેલ હતા અને બાદમા અમારા ગામના હરેશભાઈ મને તેમની ગાડીમા બેસાડી વાંકાનેર સરકારી હોસ્પીટલમાં સારવારમાં લઇ ગયેલ હતા અને વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે રિફર કરેલ, પોલીસ ખાતાએ ઉપરોક્ત બંને આરોપી સામે ગુન્હો બી.એન.એસ કલમ- ૧૧૫(૨), ૩૫૧(૨),૩૫૨, ૫૪ તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫ અને મહે.જીલ્લા.મેજી.સા મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ બાબતનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

