ભરવાડ યુવાન પાસેથી રૂ.9.42 લાખનો મુદામાલ કબ્જે
વાંકાનેરના શખ્સનું નામ ખોલાવવા તજવીજ
રાજકોટ: કોઠારિયા ચોકડી પાસે કારમાંથી રૂ.7.82 લાખના અફીણ સાથે પેડલર ઈંદુ ભરવાડને શહેર એસઓજીની ટીમે પકડી કુલ રૂ.9.42 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.વાંકાનેરથી અફીણ લઈ સણોસરા પોતાના ગામ લઈ જતો હતો ત્યાં જ રસ્તામાં જ દબોચાયો હતો.




રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ વી.વી.ધ્રાંગુ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે નીસાથેના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ, યોગરાજસિંહ અને અનોપસિંહ ઝાલાને ઇંદુભાઈ જીવાભાઈ ભુંડીયા નામનો શખ્સ સફેદ કલરની અલ્ટો કાર નં. જીજે.03.પીજે.6904 માં કોઠારીયા ચોકડીથી આજીડેમ ચોકડી બાજુ નિલકંઠ સોસાયટી પાસે આવવાનો છે.
તેના કબ્જામાં અફીણનો જથ્થો છે તેવી ચોક્કસ બાતમીના આધારે ટીમ કોઠારીયા ચોકડીથી ડાબી બાજુ ખોખડદળ નદીના પુલ તરફ જતા સર્વીસ રોડ ઉપર પહોંચતા અલ્ટો કાર શંકાસ્પદ હાલતમાં ઉભેલ જોવામાં આવતા તુરંત જ કાર ચાલકને અટકમાં લઈ નામ પુછતા પોતે પોતાનુ નામ ઇંદુ જીવાભાઈ ભુંડીયા (ઉ.વ.37, ધંધો. ડ્રાઇવીંગ રહે- સણોસરા ગામ મેલડીમાં ના મંદીરની સામે) હોવાનું જણાવ્યું હતું.
એસઓજીની ટીમે કારમાં તલાસી લેતાં તેમાંથી રૂ.7.82 લાખનું 1.565 કી.ગ્રા અફીણ મળી આવતાં અફીણ અને કાર સહિત કુલ રૂ.9.42 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પકડાયેલ શખ્સ વાંકાનેરના પેડલર પાસેથી અફીણનો જથ્થો લઈ આવતો હતો અને અહીં રાજકોટમાં તે છૂટક પડીકીમાં અપીલ વેચવાનો હતો તે પહેલા જ દબોચાયો હતો. હાલ એસઓજીની ટીમે આરોપીને આજીડેમ પોલીસ હવાલે કરી વાંકાનેરના શખ્સનું નામ ખોલાવવા તજવીજ આદરી હતી….

