માવતર બની કરિયાવરની વસ્તુઓ અર્પણ
વાંકાનેર: સમાજસેવામાં સતત કાર્યરત મારવેલ ગ્રુપ દ્વારા વર્ષ 2026 દરમિયાન પિતા વિહોણી (અનાથ) 7 મોમીન દીકરીઓને તેમના લગ્ન પ્રસંગે અંદાજિત ₹4,90,000ના જરૂરી કરિયાવરની વસ્તુઓ સન્માનપૂર્વક અર્પણ કરવામાં આવી.

પિતા વિના દીકરીના લગ્નમાં પિતાની ખોટ સૌથી વધુ અનુભવાય છે. આ લાગણીને સમજીને મારવેલ ગ્રુપે માત્ર કરિયાવર જ નહીં, પરંતુ દીકરીઓને એ વિશ્વાસ પણ અપાવ્યો કે “તમે એકલા નથી, તમારો સમાજ તમારી સાથે છે.”
સિંધાવદર, તીથવા, વઘાસીયા, પીપરડી, પંચાસર અને રાજાવડલા ગામોની 7 યતીમ દીકરીઓને આ સેવાકાર્યનો લાભ મળ્યો હતો. ગામડાઓમાં કાર્યરત મારવેલ ગ્રુપના સભ્યો અને સખી દાતાઓના સહયોગથી આ માનવતાભર્યું કાર્ય સફળ બન્યું.
મારવેલ ગ્રુપે તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ કોઈ યતીમ દીકરી પોતાના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગે અસહાય ન અનુભવે તે માટે આવા સેવાકાર્યો સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો…




