સારો પગાર, હેલ્થ ઇન્શ્યોરન્સ, રિટાયરમેન્ટ પ્લાન, પેઇડ લીવ અને કરિયર ગ્રોથની ભરપૂર તકો
ભારતમાં નર્સનો પગાર ખૂબ જ ઓછો જોવા મળે છે, જોકે એ વાતને નકારી શકાય નહીં કે ડોક્ટરોની જેમ જ નર્સ પણ દર્દી માટે અત્યંત જરૂરી છે. ડોક્ટરો સારવાર કરે છે ત્યાર બાદ નર્સ જ દર્દીની સંભાળ રાખે છે, પરંતુ પગારની સરખામણીએ નર્સનો પગાર ખૂબ જ ઓછો જોવા મળે છે. ભારતમાં નર્સિંગને એક ‘નોબલ પ્રોફેશન’ માનવામાં આવે છે, પરંતુ પગાર અને કામ કરવાની પરિસ્થિતિની બાબતમાં તે ઘણું પછત છે. તો બીજી તરફ, અમેરિકામાં નર્સોની ભારે માંગ છે અને પગાર આકર્ષક છે.


હાલમાં એક ભારતીય નર્સે સોશિયલ મીડિયા પર તેના અમેરિકન પગારનો ખુલાસો કર્યો, જેણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. અમેરિકામાં રજિસ્ટર્ડ નર્સનો સરેરાશ વાર્ષિક પગાર 98,000થી 1,00,000 ડોલરની આસપાસ છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે 82 લાખથી 85 લાખ રૂપિયા થાય છે.
કેલિફોર્નિયા જેવા કેટલાક રાજ્યોમાં તો, આ આંકડો 1.2 કરોડ રૂપિયાથી પણ વધુ હોઈ શકે છે. ઓવરટાઈમ, નાઈટ શિફ્ટ અને સ્પેશિયલિટીના આધારે કમાણી હજુ વધી જાય છે. અમેરિકામાં કામ કરતી ઘણી ભારતીય નર્સો જણાવે છે કે, અનુભવ સાથે તેમની વાર્ષિક આવક 1 કરોડ રૂપિયાને પાર કરી જાય છે.
ભારતીય નર્સે વીડિયોમાં જણાવ્યું કે, અમેરિકામાં નર્સનું કામ માત્ર દર્દીની સંભાળ પૂરતું મર્યાદિત નથી. તેમને સારો પગાર, હેલ્થ ઇન્શ્યોરન્સ, રિટાયરમેન્ટ પ્લાન, પેઇડ લીવ અને કરિયર ગ્રોથની ભરપૂર તકો મળે છે. ભારતમાં જ્યાં મોટાભાગની નર્સોને મહિને 15-25 હજાર રૂપિયા મળે છે, ત્યાં અમેરિકામાં શરૂઆતનો પગાર પણ મહિને 4-5 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
અમેરિકામાં વધતી જતી વૃદ્ધ વસ્તી, નિવૃત્ત થઈ રહેલા નર્સિંગ સ્ટાફ અને હેલ્થકેર સેક્ટરનો ઝડપી વિકાસ ત્યાં નર્સોની અછતનું મુખ્ય કારણ છે. BLS (Bureau of Labor Statistics) અનુસાર, 2030 સુધીમાં અમેરિકાને લાખો નર્સોની જરૂર પડશે. આ જ કારણ છે કે, ભારતીય, ફિલિપિનો અને અન્ય દેશોની નર્સોને ત્યાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ભારતીય નર્સો માટે અમેરિકા જવું પ્રમાણમાં સરળ પણ છે. NCLEX-RN પરીક્ષા પાસ કર્યા પછી વિઝા પ્રક્રિયા શરૂ થાય છે. EB-3 વિઝા કેટેગરીમાં નર્સોને ગ્રીન કાર્ડ મળવાની સારી સંભાવના રહે છે. ઘણી હોસ્પિટલો ભારતીય નર્સોને સ્પોન્સર પણ કરે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં નર્સે જણાવ્યું કે, અમેરિકામાં તેમનું વર્કિંગ એન્વાયરમેન્ટ ખૂબ જ પ્રોફેશનલ છે. સ્ટાફિંગ સારું હોવાથી કામનું ભારણ વ્યવસ્થિત રહે છે. સેફ્ટી પ્રોટોકોલ્સ, એડવાન્સ્ડ ટેકનોલોજી અને સન્માન સાથે કામ કરવા મળે છે. ભારતમાં અવારનવાર ઓવરવર્ક, સ્ટાફની અછત અને ઓછા પગારની ફરિયાદો રહે છે. કેરળ, પંજાબ, દિલ્હી અને મહારાષ્ટ્રની ઘણી ભારતીય નર્સો અમેરિકા જઈ ચૂકી છે. તેઓ ત્યાં માત્ર સારી કમાણી જ નથી કરી રહી પણ પરિવારને પણ સ્પોન્સર કરી રહી છે…
