જોબ ચાર્ટ નક્કી ન થતાં રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ મહેસૂલી અને વધારાની તમામ કામગીરીઓથી અળગા રહેશે
રાજ્યમાં તલાટી કમ મંત્રીઓએ વધતા કામના ભારણ સામે વિરોધ નોંધાવતા મહેસૂલી કામગીરી સદંતર બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે જણાવ્યું છે કે પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની સાથે મહેસૂલ તથા ખેતીવાડી વિભાગની વિવિધ કામગીરીનો બોજ વર્ષોથી તલાટી કમ મંત્રીઓ પર વધતો રહ્યો છે, પરંતુ કામની યોગ્ય વહેંચણી કરવામાં આવી નથી.

મહામંડળના જણાવ્યા મુજબ વર્ષ 2022ની હડતાળ દરમિયાન થયેલા સમાધાન અંતર્ગત મહેસૂલી તલાટી અને તલાટી કમ મંત્રીના જુદા જોબ ચાર્ટ નક્કી કરવા ઉચ્ચસ્તરીય સમિતિ રચવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ બે વખત સમિતિઓની રચના થઈ હોવા છતાં સાડા ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. છતાં કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.તાજેતરમાં રાજ્ય સરકારે મહેસૂલી તલાટીઓની ભરતી પૂર્ણ કરી તેમની નિમણૂકની કાર્યવાહી પણ કરી દીધી છે. તેમ છતાં મહેસૂલી તલાટી અને તલાટી કમ મંત્રીની કામગીરી અલગ પાડતો જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. મહામંડળનું કહેવું છે કે સમગ્ર મહેસૂલ વિભાગનું કામ મહેસૂલી તલાટીને અને પંચાયત તથા ગ્રામ વિકાસ સંબંધિત કામગીરી તલાટી કમ મંત્રીને સોંપવાની તેમની લાંબા સમયથી માંગણી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓએ હવે તમામ પ્રકારની મહેસૂલી કામગીરી તેમજ અન્ય વધારાની સોંપાયેલી કામગીરી સદંતર બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું મહામંડળે જણાવ્યું છે. આ નિર્ણયના કારણે ગ્રામ્ય સ્તરે મહેસૂલી સેવાઓ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે….

