ગટર ઢાંકણા- ખાડા-ભરાતા પાણી સમસ્યા
વીજ તારને અડતી ઝાડની ડાળીઓ કાપવી જરૂરી
નગરસેવકો શબ્દમાં આવતા ‘સેવક’ શબ્દને સાર્થક કરશે?
વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી પુરી થઇ, બીજાના નામે કેટલાક પથ્થર તરી ગયા, પણ હવે લોકોના પ્રશ્નો અને હાડમારી નિવારવાની મળેલી સુવર્ણ તકનો ઉપયોગ કરવાની વેળા છે, ચોમાસુ માથે તોળાઈ રહયું છે, પ્રિમોન્શુન કામગીરી જરૂરી છે, ડહોળા પાણીથી ભરાયેલા રોડ પરના ખાડા કે ગટરના ઢાંકણાની ઉંડાઇનો અંદાઝ વાહન ચાલક કળી નહીં શકતા મણકા તોડ આંચકો ભોગવવાનું કષ્ટ ઉઠાવવું પડે છે, રોડ પરના બાજુના જતા રાહધારીને ઉડેલા છાંટાથી એના મોઢા મચકોડવાની પ્રતિક્રિયા ઝેલવી પડે છે, વાંકાનેરમાં આવા ખાડાઓ અને ઢાંકણાંઓના દર્શન કમનસીબે હજી ઓઝલ નથી થયા, નગરસેવકો શબ્દમાં આવતા ‘સેવક’ શબ્દને સાર્થક કરો.


મચ્છર ઉત્ત્પતિનું કારણ બનતા શેરીઓમાં ભરાતા પાણીના નિકાલ કે ગંદકીના થર માટે માત્ર રજુઆત કાફી નથી, માથે ઉભા રહી નિરીક્ષણ કરી સલાહ-સૂચનોની રેવડી બાંટવી પણ જરૂરી છે, જે કરવું પડે તે કરો, પણ ખાડાઓ- ખાબોચિયા- ગંદકી દૂર કર્યાનો છાતી ઠોકીને દાવો કરવાની સેવકોની ચેષ્ટા મતદારોને ગમશે, એની આંખમાં અહોભાવના ભાવ ચળકતા જોઈ શકશો. ચોમાસાની સીઝનમાં શેરીમાં ભરાતા પાણીમાં બીતા – બીતા, જાળવી- જાળવી કદમ ભરતા મતદારની ચહેરા પરની વેદના વાંચો.



ટેલીફોનના તૂટેલા- રોડ પર ગૂંચળું વળી પડેલા- તારથી કોઈ ઈન્જર્ડ થશે, કે ગંદકીના થરથી માંદો પડનારો/ પડનારી સેવકનો મતદાર જ હોઈ શકે, તમારા વોર્ડમાં આંટો મારી સમસ્યાની વિગત મેળવી સાચા અર્થમાં સેવક બની રહો,
મચ્છુ અને પતાળીયામાં આ વર્ષે ગાંડી વેલ ઢંકાઈ ગઈ હતી, કુંભારપરા, શા બાવાના મિનારા પાસેના ડબ્બલ (એક ઊંચો અને એક બેઠો) પુલ અને આગળ પંચાસરના પુલના ગાળામાં આ ગાંડી વેલ ડાહી નહીં બને, એનાથી આગળ સ્થિત પંચાસરનો ચેકડેમ જો વ્હેણને અવરોધશે, તો પતાળીયા વોંકળામાં પાણીનો ઠેલ પાછો પડી શહેરના નીચાણ વિસ્તારમાં જોખમ ઉભું કરશે, દર વર્ષે ગાંડી વેલની ઉત્પત્તિ થશે, ઉકેલ જરૂરી છે.
સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા નહીં હોવાથી છેતરાતા વાહન ચાલકોને રાહત દરે ઈલાજ વિતરણ કરો. શહેરની લાઈટના થાંભલામાં વીજના ઢીલા જોડાણને ટાઈટ કરાવો, તાર સાથે ‘ઇલુ ઇલુ’ કરતી વૃક્ષની ડાળીઓ હટાવો, વરસાદ કે વાવાઝોડાની રાહ શીદને જોવી?

