રેલવે કર્મચારી સહિત કુલ 4 શખ્સોની ધરપકડ
ચોરાઉ માલ નહીં વેચાતા શક્તિનગર પાસે જાહેરમાં છોડી નાસી ગયા હતા
સિંધાવદરમાં મારામારીમાં ઈજા
વાંકાનેર: અહીં રેલવે કોલોની વિસ્તારમાં આવેલા નવા પંપ હાઉસ પાસેથી રેલવેના રૂ. 4.80 લાખની કિંમતના ઇલેકિટ્રકલ કેબલના 3 ડ્રમની ચોરી થઇ હતી, આ ઘટનાની ગંભીરતાને પગલે મુંબઈ હેડ ક્વાર્ટર્સથી આઈજી કમ ચીફ સિક્યુરિટી કમિશનર અજય સદાની અને રાજકોટ ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંહ વાંકાનેર દોડી આવ્યા હતા. RPF દ્વારા સઘન તપાસ હાથ ધરી ચોરીના બનાવમાં રેલવે કર્મચારી સહિત કુલ 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે….




મળેલ માહિતી મુજબ ગત તા. 11 ના રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ ક્રેઈન જેવા ભારે મશીનનો ઉપયોગ કરી વાંકાનેર રેલ્વે સ્ટેશન પાછળ નવા પંપ હાઉસ પાસેથી રાખેલા કેબલના 3 ડ્રમ ઊંચકીને મિની ટ્રકમાં લોડ કરી ચોરી કરી હતી. જેમાં 25 ચોરસ મીમી ક્ષમતાનો 517 મીટર લાંબો એક કેબલ તથા 35 ચોરસ મીમી ક્ષમતાના અનુક્રમે 494 મીટર અને 502 મીટર લાંબા બે કેબલ મળી કુલ 1508 મીટર લાંબો ઇલેક્ટ્રિકલ કેબલ ચોરાયો હતો. આ અંગે વાંકાનેરના સિનિયર સેક્શન એન્જિનિયર દ્વારા RPF માં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ચોરી કર્યા બાદ આરોપીઓએ સરકારી ચોરાઉ માલ વેચવા માટે 4 સ્થળે કોશિશ કરી હતી પરંતુ માલ ન વેચાતા શક્તિનગર પાસે જાહેરમાં છોડી નાસી ગયા હતા. જેને પોલીસે કબજે કરી વધુ કાર્યવાહી કરી છે. RPF ના PI ડામોર સહિતની ટીમે તપાસ હાથ ધરીને રેલવેમાં સંડોવાયેલા ડબ્લ્યુઆરઇયુ (વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન) ના બ્રાન્ચ સેક્રેટરી અશોકકુમાર રંગમ ભડિયાસી, આરપીએફના આઉટ શોર્ય ડ્રાઈવર કરણસિંહ જયવંતસિંહ જાડેજા, ઇસ્તિયાક અહેમદ ખાન (ડ્રાઈવર) અને રણછોડ રાયાભાઈ ટોટા (ડ્રાઈવર) નામના ચાર આરોપીઓની ધરપકડ કરી હેરાફેરીમાં વપરાયેલો મિની ટ્રક અને સ્ક્રેપના વેપારી પાસેથી કેટલોક મુદ્દામાલ અને ક્રેઈન રિકવર કર્યા છે. આ રેકેટમાં સંડોવાયેલા અન્ય કર્મચારીઓના નામ ઓકાવવા માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…
સિંધાવદરમાં મારામારીમાં ઈજા
વાંકાનેર તાલુકાના સિંધાવદર ખાતેની ગેબનશા પીરની દરગાહ નજીક રાજુભાઈ દિનેશભાઈ રાઠોડ (ઉ.28)ને મારામારીમાં ઈજા થતા સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત હળવદના રાતાભેર ગામનો રહીશ હોવાની પ્રાથમિક માહિતી મળી છે…

