ગ્રામ્ય વિસ્તારમાં ‘પંજા’ની પકડ
નગરપાલિકામાં ભાજપની ચાહના બરકરાર
4 અપક્ષો ચર્ચામાં છે
વાંકાનેર: ગઈ કાલે કેટલી બધી ગરમી હતી, આ લખાય છે ત્યાં સુધીમાં એક વાત વાંકાનેર વિસ્તાર માટે સારી રહી કે અત્યાર સુધીમાં ચૂંટણી પ્રક્રિયામાં કોઈ અનિચ્છનીય ઘટના બનેલ નથી અને વાતાવરણ તંદુરસ્ત રહ્યાના સમાચાર છે, ઇચ્છીએ કે આગામી દિવસોમાં છણભણના સમાચાર લખવા ન પડે ! આ ચૂંટણીમાં કઈ સીટ પર કોણ જીતે, એની ચર્ચા શરૂ થઈ ગઈ છે, લોકો પરિણામ જાણવા આતુર છે ત્યારે જીત-હાર માટે આગેવાનો આ બાબતે મગનું નામ મરી પડતા નથી, જે કપરું પણ છે, અમે અમારું તારણ રજૂ કરીએ છીએ….

વાંકાનેર નગરપાલિકા:
કુલ સાત વોર્ડ અને 28 સભ્યો, જેમાંથી 5 સભ્યો બિનહરીફ ચૂંટાઈ ગયા છે, જે પૈકી ચાર કોંગ્રેસના અને એક ભાજપના છે, વાંકાનેર શહેરમાં 58.56 % મતદાન થયું છે, કોંગ્રેસ માટે વોર્ડ 2 અને 7 માંથી 2 + 1 = 3 સભ્યો ચૂંટાવાની સંભાવના છે, વોર્ડ 2 માં નવી ટીમને લોકો આવકારશે તો વોર્ડ 7 માં ક્રોસ વોટિંગ કોંગ્રેસને ફળશે, એવું લાગે છે, અલબત્ત, આ બે ય વોર્ડમાં આખી પેનલ જીતે તેવું તારણ નથી, એકંદરે વાંકાનેર નગરપાલિકામાં ફરી ભાજપનું શાષન આવી રહ્યું છે, પરંતુ ગઈ ચૂંટણી કરતા આ વખતે કોંગ્રેસના મતદારોની સંખ્યા વધશે..
જિલ્લા પંચાયત:
જિલ્લા પંચાયતની ચૂંટણીની હકીકત એ છે કે જે તે વિસ્તાર નીચે આવતી તાલુકા પંચાયતની સીટો પૈકી ત્રણ સીટમાંથી બે સીટના ઉમેદવારો જે પક્ષના જીતે તો જિલ્લા પંચાયતની તે સીટ પણ અપવાદને બાદ કરતા તે પક્ષના ફાળે જતી હોય છે, વાત આગળ વધારીએ તે પહેલા ચૂંટણીની વણલખેલી એક વાસ્તવિકા ઉલ્લેખીએ કે મતદારો નમતા છાબડે બેસવાની વૃત્તિ ધરાવતા હોય છે, ઉમેદવારો ભલે ન કળી શકે પણ ખેલાડીની ભૂલ જોનારા જાણી લે, તેમ મતદારોને હાર-જીતનો આભાસ થઇ જતો હોય છે, અને તરતા મતદારો ખસીને જીતતા ઉમેદવારના ભાણે બેસી જતા હોય છે, વાંકાનેર તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ સાત સીટમાં મેદાનમાં રહેલા 21 ઉમેદવારો માટે 77.81 % મતદાન થયું છે, જો કોઈ ચમત્કાર ન થાય તો કોંગ્રેસ આમાંથી 4 સીટ જીતી શકે છે, આમ આદમી પાર્ટીએ જિલ્લા/ તાલુકાની એકેય સીટ પર આશા રાખવી નકામી પુરવાર થઇ શકે અમુક સીટમાં ભાજપ- ભાજપને હરાવતું હોય તેવો અણસાર મળી રહ્યો છે: ટાંટિયા ખેંચ.
તાલુકા પંચાયત:
કુલ 24 સીટ છે, મેદાનમાં રહેલા 76 ઉમેદવારો માટે તાલુકા પંચાયતમાં પણ 77.81 % મતદાન થયું છે મતલબ કે ક્રોસ વોટિંગ થયું નથી, લાગે છે કે કોંગ્રેસ આ વખતે બહુમતીના આંકડે પહોંચી જાય, અથવા ટાય થાય, સીટ વાર સમીક્ષા ટાળીએ, કેટલીક સીટની જીત 10/15 કે 15/20 ના મતના ફેરે પણ થઇ શકે, આથી છાતી ઠોકીને સીટ વાર કંઈ કહી શકાય નહીં, પણ કોંગ્રેસ માટે ઉજળી તક છે. અમારી દ્રષ્ટિએ બે કારણો છે (1) કોંગ્રેસે આ વખતે ઉમેદવારની પસંદગીમાં બહુ ચતુરાઈ વાપરી છે (2) ભાજપના બે કથિત જૂથોનો ફાયદો કોંગ્રેસને મળે તેમ છે 
અપક્ષોની ચર્ચા
જિલ્લા પંચાયતમાં ચંદ્રપુરની સીટમાં યુસુફભાઇ અને ઢુવા સીટ પર ભરત કાંકરેચાની તો તાલુકા પંચાયતમાં ગારિયા, ચિત્રાખડા અને માટેલ સીટના ઉમેદવારોની પણ ચર્ચા ચાલી રહી છે, જો એકાદ અપક્ષ ચૂંટાય તો તેની તો નિકલ પડી ! અને હા ! જો કોંગ્રેસને બહુમતી મળે તો તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને તે નામ પણ નક્કી હોવાનું મનાય છે, જેમ નગર પાલિકામાં નામ નક્કી ચર્ચાય છે તેમ…
મહિનાઓ પછીની મહેનતનું પરિણામ: કાલે ખબર પડે બાબો કે બેબી…અમુક પરિણામો ન ધારેલા પણ આવતા હોય છે….આપણે આ માટે કાલે મળીશું….
આ માત્ર તારણ છે, સીટ વાર ચર્ચાને અવકાશ નથી: નઝરૂદીન બાદી
