ચુંટાયેલા પ્રતિનિધિઓએ લોકોની વચ્ચે રહી સમસ્યાઓને પ્રાથમીકતા આપવી જોઈએ: જીતુ સોમાણી
વાંકાનેર: શહેરના પેડક વિસ્તારમાં આવેલા શ્રી ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ ખાતે શનિવારે સાંજે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં નગરપાલિકાના ચુંટાયેલા કાઉન્સીલરોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાના હોદેદારો, કાર્યકરો, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહ દરમિયાન ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું ઘનશ્યામભાઈ જોશીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ વોરાનું અમૃતભાઈ ઘરોડિયાના હસ્તે, ઉપપ્રમુખ માધવીબેનનું જયાબેન જોશીના હસ્તે તેમજ ચુંટાયેલા તમામ કાઉન્સીલરોનું ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ઉજવણીના માહોલ વચ્ચે સંપન્ન થયો હતો.

પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે સન્માન એ માત્ર ગૌરવનો વિષય નથી, પરંતુ પ્રજાએ મુકેલા વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે. ચુંટાયેલા પ્રતિનિધિઓએ લોકોની વચ્ચે રહી તેમની સમસ્યાઓને પ્રાથમીકતા આપવી જોઈએ અને વિકાસલક્ષી કાર્યોને ગતિ આપવી જોઈએ. તેમણે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસમુખી વિઝનને આગળ વધારી વાંકાનેરના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ રહેવાની અપીલ કરી હતી.
વાંકાનેરમાં યોજાયેલા આ સન્માન સમારોહ માત્ર ચુંટાયેલા કાઉન્સીલરોના અભિનંદન પુરતો મર્યાદીત નહોતો, પરંતુ સ્થાનિક રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીની સંગઠનાત્મક મજબૂતાઈ અને કાર્યકર્તા આધારનું પ્રતીક પણ બન્યો હતો. ચુંટણી બાદ યોજાતા આવા કાર્યક્રમો પક્ષ અને પ્રજાના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે…

