કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગુજરાતમાં આ વર્ષે ૪૦ થી ૫૦ ઈંચ વરસાદ

ગુજરાતમાં આ વર્ષે ૪૦ થી ૫૦ ઈંચ વરસાદ

૧૧ તજજ્ઞોની આગાહી

હોનારત, વાવાઝોડું કે સુનામીનો ભય નથી

જુલાઇમાં એક વરસાદ તેજ પવન સાથે આવશે

બે વખત ૭ થી ૧૫ દિવસની વરસાદની ‘હેલી’ થશે

૧૫ જૂન, ૨૧ જૂન અને 3 જી જૂલાઈ એમ ૩ તબક્કામાં વાવણી થશે

રાજકોટઃ જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પાંચમો વર્ષાવિજ્ઞાન સેમિનારનું આયોજન રાજકોટ મુરલીધર ફાર્મમાં કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦ થી ૫૦ વર્ષનો અનુભવ ધરાવતા ૧૧ વર્ષાવિજ્ઞાન તજજ્ઞો શ્રી રમણિકભાઈ વામજા, શ્રી કિશોરભાઈ ભાડજા, શ્રી પરેશભાઈ ગોસ્વામી, શ્રી મોહનભાઈ દલસાણિયા, શ્રી ગોપાલભાઈ ચોવટિયા, શ્રી બાબુભાઈ રૂપાવટીયા, શ્રી બાબુભાઈ સુમણીયા, શ્રી ભિમભાઈ ઓડેદરા, શ્રી ભગવાનભાઈ સુરાણી, શ્રી ઉકાભા આસોદરિયા ઉપસ્થિત રહ્યા હતા.
નિરક્ષર કિસાન મહિલા જીવતીબેન રોકડ ૫૦ વર્ષથી ફાગણના ફૂલ અને વર્ષાઋતુમાં સર્જાતા કસના આધારે વરસાદની આગાહી કરે છે. આ વર્ષાવિજ્ઞાન કારતક સુદ પૂનમથી ચૈત્ર સુદ પૂનમના સમયમાં આકાશમાં બંધાતા કસ (સફેદ વાદળ), ચૈત્રી દનીયા, ભડલી વાક્યો, હોળી અને અક્ષય તૃતીયાની વહેલી સવારનો પવન, અક્ષય તૃતીયાના દિવસે બપોરના ૧૨ વાગ્યે ઉભા સળિયાનો પડછાયો, વૈશાખ વદ આઠમનો ચંદ્રમા ઉદય, બપૈયો, શિયાળ, સુગન ચીડીયા અને વિવિધ પશુ-પક્ષીની બોલી, જંગલના વૃક્ષો બોરડી, લીમડો જાંબુડોના ફળ-ફૂલ અને આંબાના મોરના આધારે વરસાદની આગાહી કરે છે.
એ સૌનું અનુમાન છે કે ગુજરાતમાં ૧૫મી જૂન, ૨૧ મી જૂન અને ત્રીજી જૂલાઈના ત્રણ તબક્કામાં વાવણી થશે. જુલાઇમાં એક વરસાદ તેજ પવન સાથે આવશે. હોનારત, ભારે વાવાઝોડું કે સુનામીનો ભય નથી. બે વખત ૭ થી ૧૫ દિવસની હેલી વર્ષા થશે. ૧૫ ઓક્ટોબરે ચોમાસુ વિદાય લેશે. ચોમાસુ ઉતરતા એક વખત તીડનો સામાન્ય ઉપદ્રવ આવશે. કૃષિપાકો સારા પાકશે. માનવો અને પ્રાણીઓમાં રોગચાળાનો ભય નથી.
આ વર્ષા વૈજ્ઞાનિકો કોઈ જ અપેક્ષા-વળતર કે પગાર વગર માત્ર કૃષિપ્રેમ અને સેવાભાવનાથી આખું વર્ષ વરસાદના ચિન્હોનો અભ્યાસ કરે છે. એથી સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા અને રામભાઈ મોકરીયા તથા મનસુખભાઈ સુવાગીયાના હસ્તે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા વર્ષાવૈજ્ઞાનિકોનું સન્માન પત્ર, જળક્રાંતિ ગ્રંથ અને રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રૌઢ શિક્ષણના પ્રણેતા વિદ્વાન બાબુભાઈ ઢોલરીયાએ પરંપરાગત ગ્રામ વિજ્ઞાનની માહિતી આપી હતી. ધોરાજી કોલેજના સાહિત્યકાર રવજીભાઈ રોકડે વેદ, ઉપનિષદ અને કબીરની અવળવાણી ઉપર વકતવ્ય આપ્યું હતું. ગોવેદ અને જળક્રાંતિ ગ્રંથના લેખક મનસુખભાઈ સુવાગીયાએ જણાવેલ કે વેદના સંકેતોના આધારે અમે જળક્રાંતિ ગ્રંથમાં જળતત્વ, વરસાદના ૧૨ પ્રકાર, પાણીના ૨૪ નામ, આકાશી વિજળી અને મેઘધનુષ્યનું વિજ્ઞાન, જળના ગુણ, ૧૧ નક્ષત્રના વરસાદના પાણીના ગુણ અને વર્ષા વિજ્ઞાનનું જળક્રાંતિ ગ્રંથમાં આલેખન કર્યુ છે.
પ્રતિભાવમાં પરશોત્તમભાઈ રૂપાલાએ પરંપરાગત લોકવિજ્ઞાનની જાળવણી માટે સરકાર દ્વારા પૂરતા પ્રયત્ન કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. પ્રકૃતિપ્રેમી જોરુભાઈ વેગડ અને યજમાન ચંદુભાઈ હુબલએ સૌને ગાયના ઘીના માલપૂવા, ઉમરા અને ગોરસ આમલીના ઔષધીય શાકનું દિવ્ય ભોજન કરાવ્યું હતું તેમ શ્રી મનસુખભાઈ સુવાગીયા, પ્રમુખ-જળક્રાંતિ ટ્રસ્ટ, રાજકોટ (મો.૯૪૨૬૨ ૫૧૩૦૧/ ૯૦૯૯૩ ૫૧૩૦૧)ની યાદી જણાવે છે.
જળવિજ્ઞાન, વર્ષાવિજ્ઞાન અને અલ્પ ખર્ચે ૧૦૦ વર્ષ જળસંકટનું નિવારણ કરવા જળક્રાંતિ ગ્રંથ વાંચવા સૌને અપિલ કરી હતી. ગ્રંથ મંગાવવા માટે (મો.૯૯૭૯૮ ૬૪૫૦૩/ ૮૮૭૮૮ ૯૦૫૯૦)

Content Copying Forbidden !!

error: Content is protected !!