મામલતદાર સમક્ષ આઠ માંગણીઓ મૂકાઈ
વાંકાનેર: સમગ્ર ભારત દેશમાં ચાલી રહેલા ‘ગૌ સમ્માન આહવાન અભિયાન’ અંતર્ગત વાંકાનેર તાલુકામાં પણ ગૌભક્તો, સંત સમાજ અને જાગૃત નાગરિકો દ્વારા ગૌમાતાના રક્ષણ અને સમ્માન માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ગાયને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવા અને ગૌવંશની હત્યા તથા તસ્કરી રોકવા માટે કડક કેન્દ્રીય કાયદો બનાવવા માટે હજારો લોકોની સહી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને વાંકાનેરમાં મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં ગૌવંશના રક્ષણ માટે મુખ્ય નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે.


(1) એકીકૃત કેન્દ્રીય કાયદો અને સ્વતંત્ર મંત્રાલય: ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધ અને કડક કાર્યવાહી માટે કેન્દ્રીય ગો સેવા અને સંરક્ષણ અધિનિયમ લાગુ કરી અલગ કેન્દ્રીય મંત્રાલય બનાવવું.
(2) સંવૈધાનિક સર્વોચ્ચતા: દેશી ગૌવંશને ‘રાષ્ટ્રમાતા” અથવા “રાષ્ટ્ર આરાધ્યા તરીકે અધિકારિક સંવૈધાનિક માન્યતા આપવી.
(3) કઠોર દંડાત્મક જોગવાઈ: ગો તસ્કરી અને ગો વધને બિનજામીનપાત્ર અને સંજ્ઞેય ગુનો ગણી આજીવન કેદ અને દોષિતોની સંપત્તિ જપ્ત કરવા કડક કાયદો બનાવવો.
(4) આર્થિક આત્મનિર્ભરતા: ખેતીમાં જૈવિક ખાતર અને ઔષધિ તરીકે પંચગવ્યનો ઉપયોગ વધારવો, મિડ-ડે મીલ અને મંદિરોના પ્રસાદમાં માત્ર દેશી ગાયના ઘી-દૂધનો ઉપયોગ ફરજિયાત કરવો.
(5) સ્થાનિક કક્ષાએ ગૌ સંવર્ધનઃ દરેક ગ્રામ પંચાયતમાં ‘નંદીશાળા” અને જિલ્લા સ્તરે ઓછામાં ઓછું 1 આદર્શ ગો અભયારણ્ય બનાવવું.
(6) હાઇવે સુરક્ષા અને ચિકિત્સા: રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર દર 50 થી 100 કિમી પર ગો-વાહિની એમ્બ્યુલન્સ અને 150 થી 200 કિમીના અંતરે આધુનિક ટ્રોમા સેન્ટર ઉભા કરવા.
(7) શિક્ષણ અને સામાજિક સુધાર: શાળાના અભ્યાસક્રમમાં “ગો-વિજ્ઞાન” વિષયને ફરજિયાત સામેલ કરવો.
(8) ચારા અને ગૌચર સંરક્ષણ નીતિ: ‘ચારા સુરક્ષા કાનૂન’ બનાવી ઔદ્યોગિક ઉપયોગ પર રોક લગાવવી અને તમામ ગૌચર જમીનોને અતિક્રમણ મુક્ત કરવી.

