પલાસ ગામ પાસે બે બાઇક અથડાયા હતા
આઇટીઆઇનું ફોર્મ ભરી ઘરે પરત ફરતી વખતે બનેલો બનાવ
વાંકાનેર: તાલુકાના પલાસ ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા લુણસર ગામે રહેતાં અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં છાત્રનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. વાંકાનેર ખાતે આઇટીઆઇનું ફોર્મ ભરીને પરત પોતાના ગામે જતો હતો ત્યારે તેના બાઇક સાથે બીજુ બાઇક અથડાતાં આ બનાવ બન્યો હતો.




જાણવા મળ્યા મુજબ લુણસર ગામે રહેતાં તરુણ ભીખાભાઇ ચાવડા (ઉ.વ.૧૯) ને ગઇ કાલે સવારે અગીયારેક વાગ્યે વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનરે તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર તરૂણ ચાવડા બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને હાલમાં ધોરણ-૧૨માં નાપાસ થતાં આગામી સમયમાં ફરી પરિક્ષા આપવાની તૈયારી કરી રહ્યો હતો.




સાથે સાથે આઇટીઆઇમાં પણ અભ્યાસ ચાલુ કરવો હોઇ ગઇ કાલે વાંકાનેર આઇટીઆઇ ખાતે ફોર્મ ભરવા માટે ગયો હતો. ત્યાંથી પરત ઘરે આવતી વખતે પલાસ ગામ પાસે તેના બાઇક સાથે બાજુના ગામના યુવાનનું બાઇક અથડાતાં બંને ફેંકાઇ જતાં ઇજાઓ થઇ હતી. જેમાં તરૂણ ચાવડાને ગંભીર ઇજા થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ ખસેડાયો હતો. પરંતુ ત્યાં દમ તોડી દીધો હતો. તેના પિતા કારખાનામાં મજુરી કરે છે. આશાસ્પદ દિકરાના મૃત્યુથી ચાવડા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે…

