અગાઉ ૪ નોટિસો અપાઈ હતી
ફાયર સેફ્ટી ન હોવાથી કડક પગલું
નિયમોનું ઉલ્લંઘન કરતા અન્ય કોમર્શિયલ બિલ્ડિંગો સામે પણ કડક પગલાં ભરાશે ?
વાંકાનેર: શહેર નજીક આવેલ ચંદ્રપુર વિસ્તારમાં ફાયર સેફ્ટીના નિયમોની સતત અણદેખી કરતા બિલ્ડિંગ સંચાલકો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચંદ્રપુર નજીક આવેલ વિશાળ ‘સ્ટાર પ્લાઝા’ કોમ્પલેક્ષમાં પૂરતા ફાયર સેફ્ટીના સાધનો અને કાયદેસરના એન.ઓ.સી. (NOC) સર્ટીફિકેટનો અભાવ હોવાનું સામે આવતા ફાયર વિભાગની ટીમ દ્વારા સમગ્ર કોમ્પલેક્ષને સીલ કરી દેવામાં આવ્યું છે.



જાણવા મળ્યા મુજબ , ચંદ્રપુરના અરજદાર મરડીયા ઉસ્માનભાઈ નુરમહંમદભાઈ દ્વારા આશરે છ મહિના પહેલા રાજકોટ ફાયર સેફ્ટી ઓફિસે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. રહેણાંક વિસ્તારની બાજુમાં જ વિશાળ કોમર્શિયલ કોમ્પલેક્ષ હોવા છતાં ત્યાં ફાયર સેફ્ટીની એક પણ સુવિધા ન હોવાથી મોટી હોનારત સર્જાવાનો ભય સેવાઈ રહ્યો હતો.
આ ગંભીર બાબતને ધ્યાને લઈ ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગ ઓનરને અગાઉ ૩ નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ આખરી ચોથી નોટિસ આપીને જરૂરી પુરાવા અને સર્ટિફિકેટ રજૂ કરવા તક આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં યોગ્ય અમલવારી ન થતાં આખરે સીલ મારવાની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજ્યમાં અગાઉ બનેલી અગ્નિકાંડની ઘટનાઓને પગલે તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ સરપ્રાઈઝ કાર્યવાહીથી સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોમાં ભારે અફરાતફરી અને સન્નાટો વ્યાપી ગયો છે. નિયમોનું ઉલ્લંઘન કરીને ધમધમતા અન્ય કોમર્શિયલ બિલ્ડિંગો સામે પણ આગામી દિવસોમાં આવી જ કડક ઝુંબેશ ચાલુ રાખવાના એંધાણ મળતાં બેદરકાર સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે…

