(ભાગ: 1)
વંશાવલી બારોટ પાસેથી મળી રહે
કાશી જતા સંઘને રસ્તામાં કોઈ એક જગાએ એક બુઝુર્ગનો ભેટો થયો
વડવાઓએ લગભગ 600 વર્ષ પહેલા મુસ્લિમ બન્યા હોવા જોઈએ
અગાઉના જમાનામાં વાહનવ્યવહારની કોઈ સગવડતા નહોતી, તો લોકો સમૂહમાં પગપાળા તીર્થ યાત્રા કરતા, આવા સંઘમાં જરૂર પડે માટે સાથે એકાદ વૈદ, ધાર્મિક વિધિ માટેનો જાણકાર, રખોપિયા માટે જોરુકો માણસ, ભજન ગાનારો, પગચંપી કરવાની હથરોટીનો જાણકાર, સેવા ચાકરી કરનારો પણ રહેતો, સંઘમાં અલગ અલગ જ્ઞાતિનો અને ધંધાર્થીનો સમૂહ રહેતો, મોટા ભાગના આજુબાજુના ગામના સંઘમાં જોડાતા, હેરાનગતિ ન થાય તે માટે દિવાળી પછીની ઋતુમાં પ્રયાણ કરતો, ટાઢા પહોરે ચાલે અને રાત્રી રોકાણ ઓછા જોખમવાળી અને પાણીની સગવડતા હોય ત્યાં નદી- વાવ – તળાવ- કુવા કાંઠે કરતો.
આવો જ એક સંઘ મોટા ભાગે ઉત્તર ગુજરાતના કડી શહેરની આસપાસના વિસ્તારમાંથી કાશી જતો હતો, ક્ડીથી રાજસ્થાન ઉદેપુર, કોટા, ગ્વાલિયર થઇ કાશીનું અંતર 1400 કિમિ (870 માઈલ) છે, બધું સરખું ચાલે તો દોઢ – બે મહિને કાશી પહોંચાય, સંઘમાં લેઉવા કણબી, કડવા કણબી, લુહાર, સુથાર વગેરે હોવાનું લખાણ મળે છે આપણા (આપણાનો મતલબ વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનો સમજવા) સમાજની કઈ અટકના વડવા કઈ જ્ઞાતિના હતા, એ માહિતી કોઈ પાસે નથી અને જાણીને પણ શું કામ છે, જયારે ઇસ્લામમાં દાખલ થયા પછી સૌ ભાઈ-ભાઈ છે. કાશી જતા સંઘને રસ્તામાં કોઈ એક જગાએ એક બુઝુર્ગનો ભેટો થયો, બુઝુર્ગે જયારે જાણ્યું કે સંઘ કાશી જઈ રહ્યો છે તો આપે ફરમાવ્યું કે ‘આ રીતે દૂર જવાની શું જરૂર છે? હું તમને તમારા કાશી તીર્થના દર્શન અહીં જ કરાવી દઉં, શર્ત એટલી જ કે તમો ઇસ્લામ ધર્મ કબૂલ કરી લો’
જાત્રાના ભાઈઓએ એમની એ વાત અસંભવ માની કબૂલ કરી, આપે ફરમાવ્યું કે ‘તીર્થની નિશાનીઓ અને અલામતોને યાદ કરી લો’
ત્યાર બાદ આપે આપની કરામતથી જાત્રાળુઓને કાશી તીર્થના દર્શન કરાવી દીધા, એટલે તમામ જાત્રાળુઓએ ખુશી ખુશી ઇસ્લામ ધર્મ કબૂલ કરી લીધો, એ જાત્રાળુઓમાં વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનના વડવાઓ પણ હતા, અને એ બુઝૂર્ગ એટલે સૈયદ કબીરૂદીન (રહે.)
સંઘે ઇસ્લામ કબૂલ કર્યા પછી કાશીએ જાત્રા કરવાનો કોઈ મતલબ નહીં રહેતા સૌ પોતપોતાના ગામ/ ઘરે પરત ફર્યા હશે, અને આ ઘટનાની વાત વાયુવેગે આસપાસના ઇલાકામાં પ્રસરી હશે, ચમત્કારમાં માનતી જ્ઞાતિ માટે આ કોઈ નાનીસૂની ઘટના નહોતી, મુંબઈ ગેજેટમાં લખ્યું છે કે સૈયદ કબીરૂદીન (રહે.) અમદાવાદ અને એની આસપાસમાં અને ખેડા તથા કાઠિયાવાડમાં તશરીફ લાવ્યા છે, અને આપના મુબારક હાથોએ હિન્દુઓની જુદીજુદી જાતિઓએ ખુશીખુશી ઇસ્લામ ધર્મ કબૂલ કરેલ છે, જેઓ ‘મોમના’ના નામે જાણીતા થયેલ છે.
સૈયદ કબીરૂદીન (રહે.) ની કરામતનો એક બીજો પ્રસંગ સંઘના લોકોને ગંગા જમનાના દર્શન કરાવ્યાનો ભાવલપુર (પાકિસ્તાન) ગેજેટમાં નોંધાયેલ છે અને પછીથી આપ ‘હસન દરિયા’ ના નામે જાણીતા થયા.
વાંકાનેર વિસ્તારના મોમીનોની ઇસ્લામ કબૂલ કરવાની ઘટના ક્યારે બની એ વિષે વાત કરીએ તો સૈયદ પીર મશાયખ (રહે.) બાદશાહ ઔરંગઝેબના સમયમાં અને પીરાણા વાળા સૈયદ ઇલ્મુદીન (રહે.) મહમદ બેગડાના સમયમાં થઇ ગયા, આથી એમનો સમયગાળો મળી શકે, જયારે સૈયદ કબીરૂદીન (રહે.) ગુજરાતમાં આવ્યા હતા, એવું ગેજેટ પરથી ફલિત થાય છે, પણ ક્યારે તશરીફ લાવ્યા એની કોઈ વિગત મળતી નથી કે તત્કાલીન બાદશાહ કે રાજાઓના શાષન વિષે પણ કોઈ માહિતી નથી મળતી, (કોઈ વાંચક પાસે હોય તો મોકલવા વિનંતી છે.)
સૈયદ કબીરૂદીન (રહે.) ની વફાત હિજરી 853 માં થયાની માહિતી છે એ હિસાબે 576 વર્ષ પહેલા આપની વફાત થઇ, હવે જયારે આપ ગુજરાતમાં તશરીફ લાવ્યા ત્યારે આપની ઉંમરે મુબારક કેટલી હતી એ હકીકત ઉજાગર નથી, આમ છતાં ક્યાસ કાઢી શકાય કે નવમી હિજરી આસપાસ એટલે કે આપણા વડવાઓએ લગભગ 600 વર્ષ પહેલા મુસ્લિમ બન્યા હોવા જોઈએ (અલ્લાહ બેહતર જાણે છે) હિન્દૂ કૌમમાં ‘બારોટ’ હોય છે, જે કુટુંબના બારોટ હોય તે કુટુંબની પેઢી દર પેઢીની વંશાવલી જે તે બારોટ રાખતા હોય છે, એટલું જ નહીં પણ ખુદને ખબર ન હોય તેવી બધી વિગત બારોટ પાસે હોય છે, એમની લિપિ અલગ હોય છે, જન્મ તારીખ હિન્દૂ પંચાંગ મુજબ લખતા હોય છે, (પાટીદારોની 750 વર્ષની વંશાવલી “સોનાની હાટડી” પુસ્તક પ્રગટ થયેલું છે) જાત્રાએ એક ઘરના બધા ભાઈઓ ન જાય, કોઈ મોટો પુરુષ જાત્રામાં ન જતા સંભાળ રાખવા ઘરે જ રહે, 
સમજવા માટે માની લો કે વડ બાદીના જે દાદાએ ઇસ્લામ કબૂલ કર્યો તેમનું નામ કરમશી છે અને તેમના પિતાનું નામ જીવા છે, અને જીવાને બે દીકરા છે અને માનો કે એક કરમશી અને બીજો કારુ છે અને કરમશીએ ઇસ્લામ કબૂલ કરેલ છે પણ કારુભાઈએ જાત્રામાં ન જોડાતા સંભાળ રાખવા ઘરે જ રહ્યો હોઈ ઇસ્લામ કબૂલ કરેલ નથી, તો કરમશીની વંશાવલી ન મળે પણ કારુની વંશાવલી આજની તારીખે બારોટ પાસેથી મળી રહે, બની શકે કે બારોટ પાસેથી આપણા દાદાએ કબૂલ કરેલ ઇસ્લામનું સ્થળ અને સાલ પણ મળી જાય, પ્રશ્ન એ છે કે એવો બારોટ ક્યાં મળે? બની શકે કે કડીની આસપાસના આપણા સમાજની અટકોને ભળતા ગામો (1) આંબલીયારા કે આંબલીયાસણ (2) બાદપુરા, બાદીપુર કે બાદરપુર (3) બાકરોલ (4) ભોરણીપુરા (5) ચારોલ (6) કડીપુરા (7) ખોરેજ (8) માણસા (9) મેસાણીયા (10) પારસા (11) શેરીસા કે (12) વડનગરમાં જો તપાસ કરવામાં આવે તો આવા કોઈ બારોટનો ભેટો થઇ જાય અને એમની પાસેથી સાચી માહિતી મળે તો ઘણી બધી વાત પ્રકાશમાં આવે, અત્રે તો માત્ર અનુમાનનો જ વિષય છે….
– નઝરૂદીન બાદી
(ક્રમશ:)
