નગરપાલિકા ચૂંટણીમાં “રજીસ્ટર બટન” ખાસ દબાવજો
એક જ મતદાન મથકની અંદર તાલુકા અને જિલ્લા પંચાયત માટે બે અલગ-અલગ મતકુટિર હશે
તાલુકા પંચાયત માટેના EVM યુનિટ પર ગુલાબી રંગનું જ્યારે જિલ્લા પંચાયત માટેના યુનિટ પર સફેદ રંગનું મતપત્ર જોવા મળશે
વાંકાનેર: રાજ્યમાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. લોકશાહીના આ પર્વમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન પ્રક્રિયા અંગેની સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ચૂંટણીમાં મતદાન કરવા માટે સ્થાનિક સંસ્થાની મતદારયાદીમાં નામ હોવું અનિવાર્ય છે. મતદાન મથકે ઓળખ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ફોટો ઓળખકાર્ડ રજૂ કરવાનું રહેશે. જો કોઈ સંજોગોમાં મતદાર પાસે ફોટો ઓળખકાર્ડ ન હોય, તો રાજ્ય ચૂંટણી આયોગે માન્ય કરેલા વૈકલ્પિક ૧૪ દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઈ પણ એક પુરાવો રજૂ કરીને પણ મતાધિકારનો ઉપયોગ કરી શકાશે.
એક જ મતદાન મથકની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે બે અલગ-અલગ મતકુટિર બનાવવામાં આવશે. જેમાં તાલુકા પંચાયત માટેના EVM યુનિટ પર ગુલાબી રંગનું મતપત્ર હશે, જ્યારે જિલ્લા પંચાયત માટેના યુનિટ પર સફેદ રંગનું મતપત્ર જોવા મળશે. 
મતદારે બંને વિભાગમાં જઈને પોતાની પસંદગીના ઉમેદવાર સામેનું વાદળી બટન દબાવવાનું રહેશે. બટન દબાવતાની સાથે જ લાલ લાઈટ થશે અને ‘બીપ’ અવાજ સંભળાશે, જે મત સફળતાપૂર્વક નોંધાયો હોવાની ખાતરી આપશે. (યાદ રહે: તાલુકા અને જીલ્લા પંચાયતના ઉમેદવારો માટે અલગ-અલગ મતકુટિરના કારણે એક મતકુટીરમાં એક મત જ આપવાનો છે, પહેલા પહેલી મત કુટિરમાં મત અને પછી બીજી મત કુટિરમાં મત આપવાનો રહેશે, એક જ બેલેટ પેપરમાં એકથી વધુ મત આપવો નહીં) 
નગરપાલિકા ચૂંટણીમાં “રજીસ્ટર બટન” ખાસ દબાવજો
સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાની ચુંટણીઓ માટે મતદાનની પ્રક્રિયા વિષે સમજ મેળવવી જરૂરી છે. ખાસ કરીને જે મતદારો પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે અથવા જેમને કોઈ મૂંઝવણ છે એમને આ માહિતી જાણવી અનિવાર્ય છે.
ચૂંટણીના નિયમો મુજબ, મતદાન કરવા માટે સ્થાનિક મતદાર યાદીમાં નામ હોવું એ સૌથી પહેલી શરત છે. ઓળખ માટે મતદાર કાર્ડ અથવા આયોગે નક્કી કરેલ અન્ય ૧૪ પુરાવાઓમાંથી કોઈ પણ એક સાથે રાખવો ફરજીયાત છે. મતદાન મથકે પહોંચ્યા બાદ મતદારે ઈવીએમ મશીન પર પોતાની પસંદગીના વધુમાં વધુ ચાર ઉમેદવારો સામેના વાદળી બટન દબાવવાના રહેશે. 
(ચારથી ઓછા ઉમેદવારને પણ મત આપી શકો છો, જો વોર્ડમાં કોઈ બેઠક બિનહરીફ થઇ હોય તો જેટલા ઉમેદવાર ચૂંટવાના બાકી રહ્યા તેટલા જ મત આપવાના હોય છે) ઉમેદવારોની પસંદગી કર્યા બાદ મશીનમાં સૌથી નીચે આપેલું “રજીસ્ટર બટન” દબાવવાનું ભૂલાય નહી, કારણકે આ બટન દબાવ્યા પછી જ બીપ અવાજ આવશે અને તમારો મત સફળતાપૂર્વક નોંધાશે.
જો મતદાન કરતી વખતે કોઈ ભૂલ થાય, તો એના સુધારા વિષે પણ જાણવું જરૂરી છે. જો તમે ભૂલથી કોઈ એવા ઉમેદવારનાં નામનું બટન દબાવી દીધું હોય જેને તમે વોટ આપવા નથી માંગતા, તો “રજીસ્ટર બટન” દબાવતા પહેલા ફરીથી એ જ ઉમેદવારનાં નામનું બટન દબાવવાથી એ ડીસિલેક્ટ થઇ જશે. ત્યારબાદ તમે તમારી પસંદગીના સાચા ઉમેદવારને વોટ આપી શકો છો. ખાસ ધ્યાન રાખવું કે જો તમે ફક્ત ઉમેદવારના નામનું બટન દબાવશો અને અંતે “રજીસ્ટર બટન” નહી દબાવો, તો તમારી વોટીંગ પ્રક્રિયા અધુરી ગણાશે અને મત રજીસ્ટર થશે નહી…
